via gujarati world by urvishkothari-gujarati on 11/13/08
તૈયારીઓ
ચંદ્ર પર યાન મોકલવાનું ભારતને આવડી ગયું છે. હવે માણસોનો વારો છે. થોડા વખતમાં એ પણ આવડી જશે. ત્યાર પછી દિવાળી નજીક આવશે, એટલે ગુજરાતમાં લોકો એકબીજાને પૂછશે,‘આ દિવાળીએ તમે ક્યાં છો?’
‘અમે સેન્ટ કીટ્સ ટાપુ પર જવાના છીએ. સાંભળ્યું છે કે અમદાવાદના એક મહારાજે ત્યાં જઇને ગુજરાતી થાળીનો ટોપ ડાઇનિંગ હોલ ખોલ્યો છે. જોઇએ તો ખરા, એનો ટેસ્ટ અહીંના જેવો જ છે કે પછી બગડી ગયો...પણ તમે ક્યાં જવાના?’
‘બહુ વખતથી અમે જઊં-જઊં કરતા હતા, પણ બે વર્ષ પહેલાં મોટી બારમામાં હતી. ગઇ સાલ નાનો દસમામાં આવ્યો. એમની નિશાળમાં તો બારે મહિના રજા જેવું હોય, પણ ટ્યૂશન ક્લાસ પડાય નહીં. છેવટે આ સાલ અમે બુકિંગ લીઘું.’
‘ક્યાંનું બુકિંગ?’
‘હવે આપણા માટે બહુ પ્રોબ્લેમ થાય છે. આટલાં વર્ષોથી ફરીએ છીએ. હવે કશું બાકી રહ્યું નથી. એટલે અમે નક્કી કર્યું હતું કે હવે જ્યારે જઇએ ત્યારે ચંદ્ર પર જવું.’
‘એકલા કે કોઇ કંપની છે સાથે?’ ‘કંપની તો જોઇએ જ. એકલા અમને ફાવે નહીં. કંપની હોય તો શું છે કે નાસ્તામાં વેરાઇટી રહે. એક જણ થેપલાં લાવે, એક જણ તીખી પુરી લાવે, તો એક જણ આથેલાં મરચાં અને સુખડી લાવે. પછી આપણે રાજા! રસ્તામાં ગમે તે થાય કે ત્યાં ગયા પછી પણ જમવાનું ઠેકાણું ના પડે તો ચિંતા નહીં. એક વાર અમે માડાસ્ગાકાર ગયા હતા ત્યારે...’
‘મને ખ્યાલ છે...ક્રુઝમાં ગળ્યા મેથિયાનો રસો ઢોળાયો હતો ને બહુ પ્રોબ્લેમ થયો હતો...તમે એક વાર કહ્યું હતું.’ ‘તમારી યાદશક્તિ બહુ સારી છે, પણ કંપનીમાં તો આવું થયા કરે. જ્યારે પ્રવાસે જવાનું થાય ત્યારે જૂનાં સંસ્મરણો યાદ આવવાનાં જ.’
‘આ ચંદ્રવાળું તમે કેવી રીતે ગોઠવ્યું? ‘નાસા’માં જેક-બેક (ઓળખાણ) લગાડ્યો કે શું?’
‘મારી સાળી વર્ષોથી અમેરિકા છે. તેના દિયેરના ભાઇબંધનો એક્સ-બોસ વ્હાઇટ હાઉસમાં છે. એટલે ‘નાસા’માં છેડા અડાડવા હોય તો વાર ન લાગે. પણ આપણે ‘ઇસરો’થી જ પતી જતું હોય તો નાસા સુધી લાંબા થવાની શી જરૂર? ‘ઇસરો’એ આ સાલથી જ એક પેકેજ ટુર ઓપરેટર સાથે મળીને ચંદ્રની પેકેજ ટુરની શરૂઆત કરી છેઃ શ્રીહરિકોટા- તિરૂપતિ-મદુરાઇ-કન્યાકુમારી-ચં
‘પણ આવું કેવી રીતે? ચંદ્રયાનમાં બેઠાં પછી એક જ વારમાં પહોંચી જવાનું ન હોય?
‘પેકેજ ટુરમાં વિજ્ઞાન ન ચાલે, યાર. તમે શ્રીહરિકોટા-ચંદ્ર-શ્રીહરિકોટા’ લખો તો કોઇ કાકો ન આવે. તમારે વધારે પ્લેસીસ ‘ટચ’ કરવાં પડે. થોડાં ધર્મસ્થાન લાવવાં પડે. એ તો આ વખતે પહેલી વારનું છે એટલે. બાકી, અત્યાર સુધી દુનિયાભરમાં અમે ફર્યા, પણ અમારી સરેરાશ રોજનાં બે સ્થળની રહી છે. એક દિવસમાં બે સ્થળ ‘ટચ’ ન કરીએ તો આવડી મોટી દુનિયા ક્યારે જોઇ રહીએ? આ વખતે એવું ગોઠવાયું છે કે શ્રીહરિકોટાથી એક એસી કોચ નજીકનાં ધર્મસ્થાનો ટચ કરીને પાછો શ્રીહરિકોટા આવશે અને ત્યાંથી ચંદ્ર માટે રવાના થઇશું. એમાં એવું ઓપ્શન પણ છે કે જેને શ્રીહરિકોટા પાછા આવ્યા પછી ઉતરી જવું હોય તે ઉતરી શકે.’
‘ચંદ્ર પર રહેવાની વ્યવસ્થા ખરી?’ ‘સાંભળ્યું છે કે અમેરિકાએ કોલોની બાંધી છે. ઇસરો પણ બાંધવાનું છે. ગઇ સાલ ઇસરો પીડબલ્યુડીના એન્જિનીયરોને ખાસ એટલા માટે ચંદ્ર પર લઇ જવાનું હતું, પણ એન્જિનીયરો ચંદ્ર પર જવાને બદલે પોતપોતાના વતન જતા રહ્યા અને ઓફિસમાંથી ચંદ્રયાત્રાનાં વાઉચર પાસ કરાવી લીધાં.’
‘તો તમારા લોકોની વ્યવસ્થા અમેરિકાની કોલોનીમાં હશે?’
‘ના રે, ચંદ્ર પર રહેવાની શી જરૂર? અમારો આજ સુધીનો રેકોર્ડ છે. અમે નહીં નહીં તો પણ હજારેક જગ્યા ટચ કરી હશે, પણ એમાંથી દસ-વીસ જગ્યા સિવાય બીજે ક્યાંય રોકાયા નથી. પાંચેક વાર તો અમારો કોચ બગડ્યો એટલે રોકાવું પડ્યું હતું. બાકી, આપણે રોકાઇને શું કામ? આપણે ક્યાં એ શહેર વિશે પરીક્ષા આપવાની છે? એક ચક્કર મારીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે અહીં શું ચાલી રહ્યું છે, બસ.’
‘તો રાત્રે સુવાનું?’ ‘અમે કોચમાં જ સુઇ જઇએ. રાત્રે કોચ ચાલે, તો જ દિવસે વધારે સ્થળો ટચ કરી શકાય ને! ચંદ્રની ટુર માટે પણ એવું જ કહેવામાં આવ્યું છે કે ચંદ્ર પર ઉતરવાની યોગ્ય વ્યવસ્થા નથી. એટલે આપણે દિવસે બહાર ફરીને સુવા માટે રાત્રે યાનમાં જ પાછા આવીશું.
‘ઓઢવાનું એ લોકો આપવાના છે કે આપણે લઇ જવાનું?’ ‘એવું કહે છે કે યાનમાંથી આપીશું, પણ એ કેવુંય હોય! આ ટૂરવાળાનો શો ભરોસો! હું ગમે ત્યાં જઊં, પણ ઓઢવાનું તો મારૂં જ જોઇએ. તો જ મને ઊંઘ આવે.’
‘અને જમવાની કેવી વ્યવસ્થા છે?’
‘આપણે જતા હોઇએ એટલે તમારે સમજી લેવાનું કે એ વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ જ હોય. ચંદ્રયાત્રાનું સાંભળ્યું એટલે પહેલી તપાસ મેં એની કરી હતી. એ લોકો અહીંથી ફૂડપેકેટ લઇ જવાના હતા, પણ મેં ફોન પર વાત કરી. ‘ઇસરો’નો સાહેબ ના સમજ્યો, એટલે મેં પેકેજ ટુરના ઓપરેટર જોડે વાત કરી. એને મેં બઘું સમજાવ્યું અને કહ્યું કે તું અમને સાચવી લે, તો અમે પણ સમજીશું અને તને સાચવી લઇશું. છેવટે, રસોઇયો અને સીઘું સાથે લઇ જવાનું નક્કી કર્યું છે. આટલા રૂપિયા ખર્ચીને ઠેઠ ચંદ્ર પર જતા હોઇએ તે વાસી ફુડપેકેટ ખાવા ને સેન્ડવીચના ડૂચા મારવા?’
‘પેકેજમાં એ લોકો શું આપવાના છે?’
‘અત્યારે તો એવી વાત છે કે સવારે ચા સાથે ગરમ નાસ્તો, બપોરે હળવું જમવાનું, બપોર પછી ચા- સૂકો નાસ્તો, સાંજે ફુલ ડીશ અને રાત્રે ડેઝર્ટ. હા, ચંદ્ર પર ઉતરીએ ત્યારે ‘વેલ કમ ડ્રીન્ક’ મળવું જોઇએ, એવો મેં ખાસ આગ્રહ રાખ્યો. એ લોકો આનાકાની કરતા હતા અને ચંદ્રના પર્યાવરણની પંચાત ઝીંકતા હતા, પણ મેં અમારૂં બુકિંગ કેન્સલ કરી નાખવા સુધીની ધમકી આપી ત્યાર પછી એ માન્યા. હવે ચંદ્ર પર ઉતરીશું ત્યારે ‘વેલ કમ ડ્રીન્ક’ પણ મળશે. રોમ-પેરિસ હોય કે ચંદ્ર, આપણને શું ફેર પડે છે! આપણે શા માટે બદલાવું જોઇએ?
‘ખરી વાત છે. આપણે ગમે ત્યાં જઇએ તો પણ બદલાઇએ એવા નથી. રૂપિયા ખર્ચીએ છે તે શાના માટે? બદલાઇ જવા માટે કે એમના એમ રહેવા માટે!.. હવે સુખરૂપ ફરીને આવો ત્યારે મળીશું અને ચંદ્ર પર ઇસરોવાળાએ તિરૂપતિનું મંદીર બાંઘ્યું હોય તો આપણા વતી ૧૦૦૧ રૂપિયાની ભેટ મૂકીને પ્રસાદ લાવવાનું ભૂલતા નહીં.’
... અને પાછા ફર્યા પછી
‘બહુ થાકેલા લાગો છો. હજુ ચંદ્રયાત્રાનો થાક ઉતર્યો લાગતો નથી.’
‘ના રે. ચંદ્ર સુધી ચાલતા થોડા ગયા હતા કે થાક લાગે! આ તો (જેટલેગ જેવો) સ્પેસલેગ છે. રહેતે રહેતે આવી જશે.’
‘કેમ રહ્યું ચંદ્ર પર?’ ‘હવે કહેવત બદલવી જોઇએઃ ડુંગરા દૂરથી રળીયામણા નહીં, ચાંદા દૂરથી રળીયામણા. અહીંથી કેવો મસ્ત લાગે છે, પણ નજીક જઇને જુઓ તો કોઇ દમ નહીં. એક વાર તો એવું થઇ જાય કે પૈસા પડી ગયા.’
‘અમે તમને શરદપૂનમે બહુ યાદ કર્યા હતા. અહીંથી દૂરબીન લઇને જોવાનો ટ્રાય પણ કર્યો- કદાચ કોઇ દેખાઇ જાય. મને ખ્યાલ હતો કે એ વખતે તમે ચંદ્ર પર પહોંચી જવાના હતા.’
‘હા, શરદપૂનમના દિવસે અમે ચંદ્ર પર જ હતા. એ દિવસે ખાસ આગ્રહ કરીને મેં ડેઝર્ટમાં દૂધપૌંઆ રખાવ્યા હતા. પણ ખરૂં કહું? આપણી અગાસી પર બે સામસામી ફ્લડલાઇટ ગોઠવીને, થોડા મિત્રોને ભેગા કરીને, મ્યુઝિક વગાડતાં વગાડતાં દૂધપૌંઆ ખાવાની જે મઝા છે, એ તો ખુદ ચંદ્ર પર ઊભા રહીને પણ નથી આવતી. ચંદ્ર પર ચાંદની ક્યાંથી લાવવી?’
‘ચાંદની તો આપણને ધાબે પણ ક્યાં દેખાતી હોય છે- ફ્લડ લાઇટના અજવાળામાં...’
‘તોય ફેર પડે. ત્યાંથી તો ચંદ્રની જગ્યાએ પૃથ્વી દેખાય. એમાં શું જોવાનું? પૃથ્વીથી આટલે દૂર આટલા પૈસા ખર્ચીને પૃથ્વી જોવા થોડા આવ્યા છીએ? ‘ઇસરો’ના એક ગાઇડને તો મેં ચોખ્ખું કહી દીઘું કે ‘પૃથ્વી-પૃથ્વી કરીને શું ઘેલા થાવ છો? પૃથ્વી જોઇ નથી કદી? તમે મંગળ પર રહો છો?’ એટલે બિચારો ટાઢો થઇ ગયો.’
‘ગાઇડ કેવો હતો?’ ‘એ જોડે પેકેજમાં જ હતો. બાકી તને ખબર છે ને, આપણે સો રૂપિયાનો સૂકો મેવો ફાકી જઇએ, પણ સો રૂપિયાનો ગાઇડ ન કરીએ. એ બધા ગપોડી હોય છે - અને આપણે ક્યાં ઇતિહાસનું લેસન કરવા નીકળ્યા છીએ? ચંદ્રની ફરતે પ્રદક્ષિણા શરૂ થઇ એટલે મેં અમારા ગાઇડને પૂછી લીધં, ‘ભાઇ તારી કથા છોડ. એ કહે કે ચંદ્ર પર ઉતર્યા પછી શું કાર્યક્રમ છે? જોવાના કેટલા પોઇન્ટ છે? અને સાંજ પડે તે પહેલાં સનસેટ પોઇન્ટ લઇ જવાનું ભૂલતો નહીં. આટલા વર્ષના અનુભવે મને ખબર છેઃ ગાઇડો પહેલાં લાંબાં લેક્ચર ફાડે ને સાંજ પડ્યે હડે હડે કરીને સનસેટ પોઇન્ટ માટે ઉતાવળ કરે. એટલે આ તને પહેલેથી કહ્યું.’
‘ગાઇડને બી થયું હશે કે મળ્યા છે કોઇ જાણકાર...’
‘એ તો મારી સામે જોઇ જ રહ્યો. મેં કહ્યું, બેટમજી મારો ઉત્તર પ્રદેશથી ઉત્તર ઘુ્રવ સુધીનો અનુભવ બોલે છે. એમ ના માનતો કે હું અલીગઢથી આવું છું.’ આ સાંભળીને એણે વિવેકથી કહ્યું,‘સાહેબ, અહીં સનસેટ કે એવા કોઇ પોઇન્ટ નથી.’ એટલે હું તો ચડી જ બેઠો,‘એ બધું હું ન જાણું. ચંદ્ર પર પહાડો હોય છે એટલી મને ખબર છે અને આજ સુધીમાં સેંકડો હિલસ્ટેશનો ‘ટચ’ કરી આવ્યો છું. હિલ સ્ટેશનો પર ફરવાની આ જ પદ્ધતિ હોય છેઃ છ-આઠ પોઇન્ટ અને છેવટે સનસેટ. હજુ હનીમુન પોઇન્ટ ક્યાં છે, એ તો મેં તને પૂછ્યું જ નથી. ત્યાં અમારો સાથે ફોટો તારે જ પાડી આપવો પડશે.’
‘બિચારો ગાઇડ...’ ‘બિચારો શાનો? આપણે એની પાસેથી માહિતી ન લઇએ તો કંઇ નહીં, એને ખખડાવીને તો પૈસા વસૂલ કરી શકીએ ને!’ ‘પછી? પોઇન્ટ બતાવ્યા?’ ‘જાય ક્યાં બેટો? મેં એને ચોખ્ખું કહ્યું કે તું ગમે તે કર. ચંદ્ર પર ના ઉતારવા હોય તો ના ઉતારીશ. દૂરથી યાનમાંથી ચક્કર મારતાં મારતાં પોઇન્ટ બતાવ, પણ એવું કંઇક કર કે એ પોઇન્ટ પર અમે ફોટા પડાવી શકીએ. નહીંતર પાછા જઇને લોકોને બતાવીશું શું? ઘૂળ ને ઢેફાં?’ એટલે ગાઇડ કહે,‘હા, ઘૂળ ને ઢેફાં જ. નીલ આર્મસ્ટ્રોંગ પણ અહીંથી ઘૂળ ને ઢેફાં લઇને જ પાછો ગયો હતો.’
‘પણ એ ક્યાં ગુજરાતી હતો?’
‘મેં ગાઇડને એ જ સમજાવ્યું. કહ્યું કે ભઇલા, અમેરિકનો કરે એવું ના કરીએ. નહીંતર ઉકલી જવાય. ઠેઠ આટલે આવ્યા છીએ તો ચંદ્ર પર બીજું કંઇ નહીં તો એક નાનકડું દેરૂં પણ સ્થાપીને, તેમાં અમારી સાથે લાવેલો પ્રસાદ ધરાવીને, તેને ચંદ્રદેવના પ્રસાદ તરીકે પાછો લઇ જવો પડે. નહીંતર અમારે સમાજમાં રહેવું ભારે પડી જાય. અને ભવિષ્યમાં એક દેરીમાંથી મોટું મંદિર બનાવી પાડતાં આપણને પૃથ્વી પર કોઇ નથી રોકતું, તો ચંદ્ર પર કોણ રોકવાનું છે?’
‘કોઇ વસવસો રહી ગયો?’ ‘હા, પાછા આવવા માટે નીકળ્યા, ત્યારે અમારી મંડળીમાંથી એક જણ જાણી લાવ્યો કે અમેરિકાએ ચંદ્ર પર ગુરૂત્વાકર્ષણનો પ્રોબ્લેમ ન થાય એવી એક હોટેલ ખોલી છે અને તેમાં આપણને ઉતારો મળી શક્યો હોત. મેકડોનાલ્ડના બર્ગર પણ ત્યાં મળતાં હતાં. અમે દૂરથી એ બિલ્ડિંગ જોયું, પણ અમારો ડફોળ ગાઇડ કહે, એ અમેરિકનોનું રીસર્ચ સેન્ટર છે. હવે રીસર્ચ સેન્ટર હોય તો શું થયું. ત્યાં રાત રહેવાય નહીં? હવે નક્કી કર્યું છે. આવતી વખતે રીસર્ચ સેન્ટરમાં બુકિંગ કરાવીને, જેટલા દિવસ રહીએ એટલા દિવસના નાસ્તા અને જમવાનો ઓર્ડર નોંધાવીને જ જઇશું. તમને પણ કહી રાખું છું. તમારે જેને કહેવું હોય તેને કહેવા માંડજો, જેથી અમે જે વેઠ્યું તે બીજા કોઇએ વેઠવું ન પડે
No comments:
Post a Comment